Wednesday, July 8, 2009

૩૦ છાત્રોને ખોરાકી ઝેરની અસર


studentઝાડા-ઊલટી થતાં વિધાર્થીઓને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા , રાત્રીના સમયે બનેલી ઘટનાથી યુનિવર્સિટીમાં અફડા-તફડી મચી ગઈ

સરદારકષિનગર દાંતીવાડા કષિ યુનિવર્સિટીમાં આવેલી વેટરનરી હોસ્ટેલની શિવાજી મેસમાં શુક્રવારના રોજ રાત્રી ભોજન કર્યા બાદ ૩૦ થી વધુ વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતાં હોસ્ટેલમાં અફડા-તફડી મચી જવા પામી હતી. ત્યારે ખોરાકી ઝેરના અસરગ્રસ્ત વિધાર્થીઓને તાબડતોબ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, વેટરનરી હોસ્ટેલની શીવાજી મેસમાં રોજના અંદાજીત ૮૦ થી વધુ વિધાર્થીઓ ભોજન કરતા હોય છે. જયાં શુક્રવારના રોજ રાત્રી ભોજનમાં પૌંઆ, રોટલી, મોગરની દાળ તથા દૂધનું ભોજન પિરસવામાં આવ્યું હતું. દરરોજની જેમ શુક્રવારે પણ ૮૦ થી વધુ વિધાર્થીઓએ ભોજન કર્યું હતું.

ભોજન કર્યા બાદ બધા વિધાર્થીઓ સૂઇ ગયા હતા. જયાં મોડી રાત્રે બે વાગે સૌપ્રથમ હીરેન સથવારા તથા સુરેશ પરમાર નામના બે વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતાં ઝાડા-ઊલટી થવા લાગી હતી. ત્યારબાદ વારાફરતી ૩૦ થી વધુ વિધાર્થીઓને તથા મેસમાં કામ કરવાવાળા બહેનોને પણ ખોરાકી ઝેરની અસર થતાં તેમને પણ ઝાડા-ઊલટી થવા લાગી હતી.

જેમાં જય ભાવસાર, ચેતન પટેલ, વિજય પરમાર, વિપુલ ચૌધરી, નરોત્તમ રાઠોડ તથા વિજય પટેલની હાલત ગંભીર જણાતી હતી. આ અંગેની જાણ વિધાર્થીઓ દ્વારા હોસ્ટેલ રેકટરને કરતા ડો. પાંડે અને ડો. પંકજકુમારે હોસ્ટેલમાં આવીને તમામ વિધાર્થીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબે બધા વિધાર્થીઓને જરૂરી સારવાર આપી હતી. આ સમગ્ર ઘટના અંગે વિધાર્થીઓમાં દાળ ખાવાથી ખોરાકી ઝેરની અસર થઇ હોવાનું ચર્ચાતું હતું. કારણ કે મોટેભાગે જે વિધાર્થીઓએ દાળ ખાધી હતી તેમને જ આ તકલીફ થઇ હતી.

આ ઘટનાની જાણ થતાં કષિ યુનિવર્સિટીના વિધાર્થી કલ્યાણ નિયામક ડો. વિરસીંગ રાઠોડ, વેટરનરી ડૉ. ડી.વી. જોષીએ સિવિલમાં જઇ વિધાર્થીઓના ખબર અંતર પૂછયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ૧૭ તારીખથી વિધાર્થીઓની પરીક્ષાઓ શરૂ થતી હોવાથી વિધાર્થીઓ આ સમગ્ર ઘટનાને લઇને ચિંતામાં મુકાયા છે. આજથી એક વર્ષ પહેલાં પણ પરીક્ષાઓના સમય દરમિયાન ૧૦૦ થી વધુ વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઇ હતી. જેથી અભ્યાસમાં તેજસ્વી પણ શારિરીક રીતે અસ્વસ્થ વિધાર્થીઓ પરીક્ષામાં વિધાર્થીઓ નાપાસ થયા હતા.

હોસ્ટેલના વિધાર્થીએ સતત ૧૦ કલાક મિત્રોની સેવા કરી

દાંતીવાડા કષિ યુનિવર્સિટીમાં ૩૦ થી વધુ વિધાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતાં ઘટના દરમિયાન પરીક્ષા હોવાથી અન્ય વિધાર્થીઓ પરીક્ષાની ચિંતા કરતા હતા ત્યારે વેટરનરી કોલેજના વિધાર્થી સંજય જોષીએ પરીક્ષાનો સમય હોવા છતાં પણ સતત ૧૦ કલાક સુધી બિમાર વિધાર્થીઓની સેવા કરી હતી. તેમને પોતે એકલા હોવા છતાં પણ બિમાર વિધાર્થીઓને રાત્રી દરમિયાન દવા આપવી, પાણી આપવું સહિતની સેવાઓ આપી માનવતા અને મિત્રતા બંને ધર્મ નિભાવ્યા હતા.

No comments:

Post a Comment