Wednesday, July 8, 2009

દાંતીવાડા જળાશયમાં પાણી સંગ્રહ શકિતમાં ભારે ઘટાડો

દાંતીવાડા જળાશયમાં પાણી સંગ્રહ શકિતમાં ભારે ઘટાડો

બનાસકાંઠા- પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય યોજનામાં ચોમાસાના પાણી સાથે ઘસડાઇને આવતી માટી-કાંપના કારણે બંધની સ્ટોરેજ કેપેસીટીમાં ધટાડો થયો છે. બનાસકાંઠામાં પસાર થતી બનાસનદી ઉપર દાંતીવાડા જળાશય યોજના ૧૯૬૫-૬૬માં કાર્યરત થઇ હતી.

જેનાથી દાંતીવાડા તાલુકાના ૩ ગામોમાં ૯૩૬ હેકટર, પાલનપુર તાલુકાના ૧૯ ગામોમાં ૬૩૨૪ હેકટર, ડીસા તાલુકાના ૩૧ ગામોમાં ૧૫૨૯૧ હેકટર, કાંકરેજ તાલુકાના ૮ ગામોમાં રપ૮૩ હેકટર, પાટણ તાલુકાના ૪૬ ગામોમાં ૧૯૦૪૦ હેકટર અને સિઘ્ધપુર તાલુકાના ૩ ગામોમાં ૬૪૯ હેકટર જમીનમાં સિંચાઇનો લાભ મળે છે. દાંતીવાડા જળાશયની જળસંગ્રહ શકિત કુલ ૪૬૪.૭૧ મીટર છે.

જીવંત સંગ્રહ શકિત ૪૪૪.૭૧ મીટર, મૃત સંગ્રહ શકિત ૧૯.૬૮ મીટર જયારે પૂર્ણ ભરાયેલા જળાશયોનો ધેરાવો ૪૬.૭૪ ચો.મીટર છે. જૉકે, જળાશય કાર્યરત થયું ત્યારથી તેમાં નદીના પાણી સાથે ઘસડાઇને આવતી માટી અને કાંપના કારણે બંધની પાણી સંગ્રહ શકિતમાં ઘટાડો થયો છે.

આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર જી.એચ.પટેલે જણાવ્યું હતું કે, ‘દર ચોમાસે વરસાદી પાણી સાથે ઘસડાઇને આવતી માટી અને કાંપને બહાર કાઢવા માટે કોઇ પ્રયાસ હાથ ન ધરાયો હોવાથી સ્ટોરેજ કેપેસીટી ૧૫થી ૨૦ ટકા ઘટી ગઇ છે’. આ અંગે વર્ક આસિ. હિતેન્દ્ર એન. ઠાકરે જણાવ્યું હતું કે ‘રાજય સરકાર ચેકડેમો, તળાવો બનાવવાની યોજના સાથે જળાશયોમાંથી કાંપ-માટી બહાર કાઢવાની યોજના અમલી બનાવે તો તેમાં પાણીનો સંગ્રહ વધારીને વધુ વિસ્તારને પિયતનો લાભ આપી શકાય તેમ છે.’

જળાશયના બાંધકામમાં ૧૬ ગામોની જમીન ડૂબમાં ગઇ હતી

દાંતીવાડા જળાશય બાંધકામ માટે રાવળાવાસ, માળીવાસ, રામસીડા(છાપરા), વડવસ, નાની ભટામલ, જૂઓળ, રાણાવાસ, ચેખલા, રામપુરા, અરણીવાડા, કરઝાને પુન: વસવાટ કરાવવામાં આવ્યો છે. જયારે જૉરાપુરા,ડેરી, બાટાવાડા, આવલ,રાજપૂરીયા ગામોની જમીન ડૂબમાં ગયેલી હતી. જેમાં ખેડાણ લાયક ૨૧૪૧.૪૬ હેકટર, નદીના તળિયાની ૯૪૯ હેકટર અને સરકારી, પડતર, ખરાબાની ૧૦૬૧.૩૪ હેકટર જમીનનો સમવેશ થાય છે.

આ વિસ્તારના ખેડૂતો જળાશયમાં ભરાયેલા માટી-કાંપને પોતાના ખર્ચે ખેતરોમાં લઇ જવા તૈયાર છે. જૉ સરકાર આ માટે મામુલી રોયલ્ટી ભરવાનું રાખે તો સરકારને આવક થાય અને જળાશયની સ્ટોરેજ કેપેસીટી વધારી શકાય.’ -હાથીભાઈ ચૌધરી, ખેડૂત, નીલપુર

દાંતીવાડા જળાશયમાં ભરાયેલી માટી-કાંપ જો ખેડૂત પોતાના ખેતરમાં પાથરે તો આ કાંપના કારણે ખેડૂતની જમીન આપોઆપ ફળદ્રુપ થઇ શકે છે અને ખેડૂતે મોંઘા ભાવના સેન્દ્રીય ખાતર વાપરવાની કોઇ જરૂરિયાત રહેતી નથી. આ કાંપમાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો હોવાથી એકવાર ખેતરમાં નાંખવાથી લાંબા સમય સુધી સેન્દ્રીય ખાતરની જરૂરિયાત રહેતી નથી.’ -ડૉ.આર.એલ.પટેલ, પ્રો.કૃષ યુનિ.દાંતીવાડા

No comments:

Post a Comment