Wednesday, July 8, 2009

સૈન્યમાં પ્રથમવાર વેટરનરી તબીબ ગુજરાતી: દેશમાં પ્રથમ


દાંતીવાડા કૃષિ યુનિ. નો એક યુવાન તાજેતરમાં બોર્ડર સિકયુરીટી ફોર્સમાં આસીસ્ટન્ટ વેટરનરી સર્જનની જગ્યા માટે સમગ્ર ભારતમાં જનરલ કેટેરગીમાં પ્રથમ ક્રમે પસંદગી થઇ છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટેટા ગામના વતની અને છેલ્લા ૧૦ વર્ષથી કૃષિ યુનિ. માં સ્થાઇ થયેલા વેટરનરી કોલેજના વિધાર્થી ડો. સંદિપ જોરાવરસિંહ ગઢવીની તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલી બી.એસ.એફ. માં આસીસ્ટન્ટ વેટરનરી સર્જનની જગ્યા માટેની ભરતી પ્રક્રિયામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે પસંદગી થવા પામી છે.

આ ભરતી પ્રક્રિયામાં સમગ્ર દેશમાંથી કુલ ૪૮ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી ૩ ઉમેદવારોની પસંદગી થઇ હતી. જેમાં ડો. સંદિપ ગઢવીની નિમણૂંક ગુજરાત ફ્રન્ટીયરમાં બાડમેર સેકટર ખાતે ૧૬૩ બટાલીયનમાં આસીસ્ટન્ટ વેટરનરી સર્જન તરીકે કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. સંદિપ ગઢવી ઉત્તર ગુજરાત તેમજ પિશ્ચમ રાજસ્થાનમાં અશ્વ માટે એક નિષ્ણાત તબીબ તરીકે અશ્વ માલીકોમાં પ્રચલિત છે. તાજેતરમાં તેમના નેતૃત્વમાં દાંતીવાડા ખાતે રાજય કક્ષાના ત્રીજા વાર્ષિક અશ્વ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ડૉ. સંદિપની નિમણૂંક થતાં અશ્વ માલીકોમાં નિરાશા પ્રસરી છે.

આ અંગે અશ્વ પાલક તથા ઓલ ગુજરાત હોર્સ બ્રિડર્સ એસોસીએશનના ફાઉન્ડર વિરેન્દ્રસિંગ કાંકરીયાએ જણાવ્યું હતું કે, ‘ડો. સંદિપ ગઢવીની નિમણૂંક સૈન્યમાં થવાની અમને અપાર ખુશી છે. પરંતુ, અમારે અશ્વના એક સારા નિષ્ણાત ગુમાવાનું દુ:ખ પણ છે.

આ નિમણૂંક પામતા સંદિપ ગઢવીને આસીસ્ટન્ટ કમાન્ડન્ટની પણ જવાબદારી મળે છે. જેથી તેમને આગામી સમયમાં ટેકનપુર (મઘ્યપ્રદેશ) ખાતે ૩ મહિનાની હથિયાર અને શારિરીક તાલીમ લેવાની થશે. જો કે તેમને પોતાની ફરજ દરમિયાન મુખ્યત્વે સરહદ પર ઉટ, ઘોડા અને શ્વાનને તાલીમ અને સારવાર આપવાની રહેશે.

No comments:

Post a Comment