Wednesday, July 8, 2009

મતદાન ન કરવું એ લોકતંત્રનું અપમાન:બાબા રામદેવજી


baba ramdevબનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના સાંચોર તાલુકાના પથમેડા ખાતે આવેલી શ્રી ગોધામ મહાતીર્થ આનંદવન ગૌશાળા ખાતે ૨૧ થી ૨૫ એપ્રિલ સુધી આયોજિત ‘કામધેનુ ક્રાંતી યોગ વિજ્ઞાન શિબિર’ માં ઉપસ્થિત યોગઋષી સ્વામી રામદેવજી મહારાજે ‘દિવ્ય ભાસ્કર’ ની તિલક મતદાનની ઝૂંબેશને આવકારી હતી,અને મતદાન ન કરવું તે દેશની સ્વતંત્રતાનું અને લોકતંત્રનું અપમાન છે. તો આપણે સૌ સો ટકા મતદાન કરીએ તેવી અપીલ મતદારોને કરી હતી..

રાજકીય શિક્ષણ આપવાના આપના હેતુમાં શંકા છે, તો આપનું શું કહેવું છે ?

કોઇએ પણ શંકા કે ચિંતા કરવાની જરાય જરૂર નથી. જે કોઇ લોકો ભારત સ્વાભિમાન ટ્રસ્ટને રાજકીય દ્દષ્ટિથી જુએ છે, તેમને ટ્રસ્ટના ઉદ્દેશથી બરાબર માહિતગાર થવું જોઇએ. અમે કોઇ પણ સારા લોકો માટે મુશ્કેલીકારક કે ચિંતાજનક નથી. માટે કોઇએ ભવિષ્યની વાતો વિચારીને ચિંતા કરવાની જરૂર નથી.

શું તમે ભવિષ્યમાં કોઇ રાજકીય પક્ષ સ્થાપશો કે કોઇને સહયોગ આપશો ?

ના, કયારેય નહીં, અમારુ કામ કોઇનો વિરોધ કરવાનું કે સમર્થન આપવાનું નથી. અમારુ કામ દેશમાં આરોગ્ય, ચરિત્ર અને નેતત્વ નિર્માણ કરવાનું છે અને જો તેનાથી દેશમાં સારા લોકો તૈયાર થાય તો તેમાં ચિંતાજનક શું છે ?

આગામી કેન્દ્રમાં સરકાર કયા પક્ષની રચાશે ?

સમગ્ર દેશ જાણે છે કે, દેશમાં આગામી સરકાર કોઇ એક પક્ષની તો નથી જ બનવાની. જે પણ બનશે તે તોડ-ફોડ કે ખરીદાઇ-વેચાઇને બનશે અને તે સરકાર દેશ માટે સૌથી ખતરનાક સાબીત થશે, માટે આવનારા પાંચ વર્ષ ભારતના રાજકારણ માટે સંકટકાળ હશે. આ સમયમાં અત્યાર સુધી જેટલી દેશની બરબાદી અને લૂંટ થઇ છે તેનાથી પણ બરબાદી અને લૂંટ આ પાંચ વર્ષોમાં થવાની છે.

તમારી દ્દષ્ટિએ લોકોએ કયા પક્ષને મત આપવો જોઇએ ?

લોકો કોઇપણ પક્ષને મત આપીને જીતાડે પરંતુ તે પક્ષ અવશ્ય રાષ્ટ્રીય પક્ષ હોવો જોઇએ. દેશમાં રાજય સ્તરના પક્ષો હશે ત્યાં સુધી રાષ્ટ્રની એકતા, અખંડીતતા પર પ્રશ્નાર્થ લાગશે. અમને વિધાનસભાની ચૂંટણીમાં રાજય સ્તરના પક્ષો જીતે તેમાં કોઇ વિરોધ નથી. પરંતુ જયારે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી હોય ત્યારે રાષ્ટ્રીય પક્ષને જ આગળ કરવા જોઇએ.

અત્યાર સુધીની કઇ સરકાર દેશ માટે સારી નીવડી છે?

દુર્ભાગ્યથી છેલ્લા ૬૦ વર્ષથી કોઇપણ સરકાર દેશ માટે સો ટકા સારી નથી નિવડી. કોઇપણ સરકારે બધા જ રાજયો સાથે સમાન વ્યવહાર નથી કર્યો. દેશના એકએક જિલ્લાના ભાગે જેટલા રૂપિયા વિકાસ માટે આવવા જોઇએ, તે કયારેય આપ્યા નથી. લાખ બેઇમાન હોવા છતાં પણ જો કેન્દ્ર અને રાજય સરકારે ઇમાનદારી પૂર્વક કામ કર્યું હોત તો, એક જિલ્લાના ભાગે દર વર્ષે ૧,૬૬૬ કરોડ રૂ. આવત. વર્ષ ર૦૦૮-૦૯માં કેન્દ્ર સરકારનું બજેટ ૮,૧૬,૦૦૦ કરોડ રૂ. હતું. પરંતુ દુર્ભાગ્યથી તે બજેટને પણ સમાનરૂપથી વિતરીત કરવામાં આવ્યું નથી.

શું સ્વીસ બેંકના કાળાં નાણાં દેશમાં પાછા આવશે ?

હા,જરૂર પરંતુ કોઇ એક સરકાર પર વિશ્વાસ કરી શકાય નહીં. દેશના લોકો જયારે આંદોલન કરશે. ત્યારે જરૂર સ્વીસ બેંકમાં પડેલા કાળા નાણાં દેશમાં પાછા આવશે. આ આંદોલનમાં અમે અમારી સંપૂર્ણ શકિત લગાડીશું. રસ્તાથી લઇને સંસદ સુધી સંપૂર્ણ દેશમાં ઉગ્ર આંદોલન કરીશું.

શું તમને લાગે છે કે રામમંદિરનું નિર્માણ થશે ?

જુઓ, રામ મંદિરનું નિર્માણ એ મોટો મુદ્દો નથી. તેનાથી પણ મહત્વનો મુદ્દો દેશમાં રામ જેવા ચારિત્રનું નિર્માણ કરવાનો છે.

શું યોગ અને પ્રાણાયામથી બીમારી પણ મટી શકે છે?

યોગ અને પ્રાણાયામથી કેન્સર અને અન્ય રોગ મટી જાય છે. તેવું અમે સેંકડો વાર કહી ચુકયા છીએ અને જયાં સુધી એઇડ્સની વાત છે. તો તેના મટી જવા વિષે અમે કયારેય દાવો નથી કર્યોઅને આજે પણ એટલું જ કહુ છું કે, યોગ અને પ્રાણાયામથી એઇડ્સમા વાયરલ લોડ ઘટે છે માટે થોડી રાહત થાય છે.

ચૂંટણીને લઇને દેશની જનતા માટે કોઇ સંદેશ ?

સૌ પ્રથમ તો મતદાનના દિવસે બધાજ લોકો અવશ્ય મતદાન માટે ઘરની બહાર નીકળી પોતે મતદાન કરે અને અન્ય ને પણ જાગૃત કરે. મતદાન ન કરવું તે દેશની સ્વતંત્રતાનું અને લોકતંત્રનું અપમાન છે. તો આપણે સૌ સો ટકા મતદાન કરીએ.

No comments:

Post a Comment