રાષ્ટ્રીય એકતા માટે વૃદ્ધની સાઇકલયાત્રા
ગાંધીનગરના પાનસરમાં અગરબત્તીના વ્યવસાયીની ગાંધીનગરથી અજમેર સુધીની અનોખી યાત્રા
રાષ્ટ્રીય એકતા માટે અજમેરની વાજા ગરીબ નવાઝની દરગાહ તરફ સાયકલયાત્રાએ નિકળેલા મૂળ રાન્તાઇના વતની અને અત્યારે ગાંધીનગરમાં પાનસરમાં અગરબત્તી બનાવવાનો ગૃહ ઉધોગ ચલાવનાર ૬૨ વર્ષિય બુઝુર્ગ અમરસિંહ વાધેલામાં આટલી ઉમર હોવા છતાં પણ યુવકને શરમાવે તેવી સાહસિકતા અને જુસ્સાના દર્શન થાય છે. તેમજ તેમની સાથે વાતચીત કરતા તેમનામાં રહેલી ઇશ્વરમાં અથાગ શ્રદ્ધા અને ભાઇચારાનીવૃત્તિ પણ છુપી રહેતી નથી.ગાંધીનગરના પાનસરમાં અગરબત્તીનો ગહ ઉધોગ ચલાવનાર અને સદ્દભાવનાના હેતુ સાથે નિકળેલા ૬૨ વર્ષિય બુઝુર્ગ સાઇકલયાત્રી અમરસિંહભાઇ વાધેલા સોમવારના રોજ જયારે દાંતીવાડા કોલોની ખાતે આવી પહોંરયા ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બુઝુર્ગ સાઇકલયાત્રી પોતાની યાત્રા દરમિયાન વચ્ચે આવતા દરેક ગામે યુવાનોને મળે છે અને તેમને રાષ્ટ્રીય એકતાની શીખ આપે છે. આ અંગે અમરસિંહભાઇએ જણાવ્યું હતું કે, ‘આજે પણ રોજના ૭૦ કિ.મી. અંતર કાપું છું. વિશ્વમાં તેમજ ગુજરાતમાં સદ્દવિચાર તથા ભાઇચારો પ્રવર્તે તે મુય ઉદ્દેશ છે. યાત્રા દરમિયાન માર્ગમાં આવતા ગામોમાં યુવાનોને મળીને રાષ્ટ્રીય એકતામાં યુવાનનું મહત્વ સમજાવું છે. જો કયારેક સમય મળે છે તો ગામની શાળામાં જઇને વિધાર્થીઓને પણ રાષ્ટ્રીય એકતા અંગે સમજાવું છું. આ મારી ત્રીજી સાઇકલ યાત્રા છે.નવોદય વિધાલયના વિધાર્થીઓની હડતાળ
શિક્ષકોના અભાવે વિધાથીઓએ ગુરુવારે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, ૩૪ છાત્રોએ ઘરની વાટ પકડી, આઠ વિધાર્થિનીઓને તેમનાં વાલીઓ લઇ ગયાં
દાંતીવાડા તાલુકાના દાંતીવાડા કોલોની ખાતે આવેલી જિલ્લાની એકમાત્ર જવાહર નવોદય વિધાલયમાં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ ગુરુવારના રોજ શિક્ષકોના અભાવે આખરે ઘરની વાટ પકડી હતી. જો કે શિક્ષકોના અભાવે વિધાર્થી ચાલ્યા જતા તેમના ભવિષ્ય પર માઠી અસર પડી રહી છે.જવાહર નવોદય વિધાલય, દાંતીવાડા ખાતે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતા ૩૪ વિધાર્થીઓ અને ૮ વિધાર્થીનીઓ મળીને કુલ ૪૨ વિધાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહના રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને ગણિત વિષયના વિષય શિક્ષકો સ્થાયી રૂપે છેલ્લા ઘણા સમયથી ન આવતા ગુરુવારના રોજ રોજિંદો અભ્યાસ છોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતા ૩૪ વિધાર્થીઓએ સંસ્થાને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર કંટાળીને ઘરે જતા રહ્યા હતા. જો કે ૮ વિધાર્થીનીઓ ઘરે ન જતા કેમ્પસ ખાતે જ રહી હતી. પરંતુ આ પ્રકારનો બનાવ બનતા વિધાર્થીનીઓ ગભરાઇ ગઇ હતી. જેથી સંસ્થા દ્વારા વિધાર્થીનીઓના વાલીઓને જાણ કરીને વિધાર્થીનીઓને બે દિવસ માટે ઘરે લઈ જવાની સૂચના આપવામાં આવતા વાલીઓએ આવીને ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતી ૮ વિધાર્થીઓને ઘરે લઇ ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) એ વિધાર્થીઓ માટે ખુબ જ અગત્યનું વર્ષ ગણાય છે. ત્યારે આ પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વિધાલયમાં વર્ષના પ્રારંભ થી જ મુખ્ય વિષયોના શિક્ષકોની ભરતી ન કરવી તે પ્રકારે વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં છે. તેમજ આ વિધાલય દ્વારા દર મહિને સ્ટાફની સ્થિતીનો સમિક્ષા રીપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવતો હોવા છતાં પણ સરકારના ઘ્યાને આ વાત ન આવી તે પણ એક તપાસનો વિષય છે. જો કે આ ઘટના અંગેની જાણ મામલતદાર પીનાકીન શાહને થતા તેઓ તાબડતોબ નવોદય વિધાલય ખાતે પહોંચી ગયા હતા અને વિધાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેનું ઘ્યાન રાખવા જણાવ્યું હતું.‘એક ગોળી એક દુશ્મન’
દાંતીવાડા તાલુકામાં આવેલા બોર્ડર સિકયુરીટી ફોર્સની ૯૯ બટાલીયન દ્વારા આયોજીત ઇન્ટર બટાલીયન રાયફલ શુટીંગ સ્પર્ધાનો દાંતીવાડા ફાયિંરગ રેંજ પર સોમવારે પ્રારંભ થયો હતો. જે દરમિયાન ફાઇરીંગના અવાજથી બી.એસ.એફ. કેમ્પસ ગુંજી ઉઠયું હતું.
ભારતની મોટાભાગની બધી જ સરહદોની સુરક્ષા કરતા તથા દેશની આંતરીક સુરક્ષા, લાઇન ઓફ કંટ્રોલ અને દેશના કેટલાક નકશલથી પ્રભાવીત ક્ષેત્રોમાં સુરક્ષાની કામગીરી કરી રહેલાત બોર્ડર સિકયુરીટી ફોર્સ દ્વારા સૈન્યના જવાનો માટે તેમની માનસીક ક્ષમતા, શારિરીક ક્ષમતા વિકસાવવા માટે અવાર-નવાર અનેક સ્પર્ધાઓ તથા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સોમવારના રોજ ગુજરાત ફ્રંટીયરની દાંતીવાડા ખાતે આવેલી ૯૯ બટાલીયન દ્વારા દાંતીવાડા ફાઇરીંગ રેંજ પર શુટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ફ્રંટીયરની વિવિધ બટાલીયનો વરચે ઇન્ટર બટાલીયન શુટીંગ સ્પર્ધાનો પ્રારંભ ‘એક ગોળી એક દુશ્મન’ ના સુત્ર સાથે ડૉ. આર. ચંદ્રમોહન (ડી.આઇ.જી., બી.એસ.એફ., ગાંધીનગર) દ્વારા કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા તા. ૯ નવેમ્બરથી ૧૬ નવેમ્બર સુધી ચાલશે. આ સ્પર્ધામાં બોર્ડર સિકયુરીટી ફોર્સની અલગ-અલગ બટાલીયનની કુલ ૧૧ ટીમોના ૯૦૦ થી પણ વધુ જવાનોએ ભાગ લીધો છે. જેમાં આ ૧૧ ટીમો વરચે વિવિધ હથિયારોની ૧૦ શુટીંગ સ્પર્ધાઓ યોજાશે. કુલ ૮ દિવસ ચાલનારી આ સ્પર્ધાઓ દિવસ અને રાત બંન્ને સમયે યોજાશે.આ સ્પર્ધામાં જવાનો દ્વારા ૪૦૦ મી., ૩૦૦ મી., ૨૦૦ મી. અને ૧૦૦ મી. ના અંતરની સ્પર્ધા યોજાશે. જેમાં જવાનો દ્વારા ટાર્ગેટ પોઇંટ પર ઉભુ કરવામાં આવેલ પુતળા પર નિશાન તાકવાનું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાઇરીંગ રેંજ પર સ્પર્ધા સિવાયના સમયમાં જવાનો ૬૦૦ મી. ના અંતર સુધી પણ ફાઇરીંગનો અભ્યાસ કરતા હોય છે. આ પ્રકારની સ્પર્ધા કરવાનો મુખ્ય ઉદ્દેશ જવાનોમાં રહેલી ફાઇરીંગ કરવાની કળાને નિખારવાનો છે તથા ફાઇરીંગ દરમિયાન જવાનોમાં આત્મવિશ્વાસ વધે તથા મજબુત થાય અને સારા ફાઇરીંગ કરનાર જવાનની અન્ય જવાનોને પ્રેરણા મળે તે માટેની છે. આ પ્રસંગે ૯૯ બટાલીયનના કમાન્ડર આર.પી.એસ.મલીક તથા ડેપ્યુટી કમાન્ડર ઉદયપ્રતાપસિંહ ચૌહાણ તથા અન્ય બટાલીયનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાંથાવાડા માર્કેટયાર્ડમાં હડતાળ
પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન સામે નોંધાયેલી ફરિયાદના વિરોધમાં વેપારીઓએ રેલી યોજયા બાદ ખેતીની ઉપજની લે-વેચનું કામ બંધ કરતાં માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓના ગંજ ખડકાઇ ગયા છે. જેના કારણે ખેડૂતો તેમજ માર્કેટયાર્ડના શ્રમિકો ભારે મૂશ્કેલીમાં મુકાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ના બજાર સમિતિના ચેરમેન રેસાભાઇ પટેલ સહિત પાંચ વેપારીઓ પર બળદેવભાઇ પ્રજાપતીએ રૂ. ૩૮ લાખની ઠગાઇની ફરિયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે ફરિયાદ ખોટી હોવાના મુદ્દે વેપારીઓ દ્રારા વિશાળ રેલી યોજી બુધવારે રજૂઆત કરી હતી તેમજ આ કેસ પાછો ખેંચવા માટે સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં છેલ્લા ત્રણ દિવસથી માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓના ગંજ ખડકાઇ ગયા છે.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘માર્કેટયાર્ડમાં વેપારીઓની હડતાળને કારણે ખેતીની ઉપજ વેચવા આવતાં ડીસા, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા તથા રાજસ્થાનના ખેડૂતો પારવાર મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જેઓ દૂરદૂરથી આવતાં હોવાથી વાહનનું ડબલ ભાડું ચૂકવવું ન પડે તે માટે ખેતીની ઉપજ માર્કેટયાર્ડમાં જ મૂકી રાખતાં લગભગ ૪૦,૦૦૦ કરતા પણ વધુ બોરી અનાજનો ભરાવો થયો છે.
ફરિયાદ ખોટી છે
‘ચેરમેન સામે ફરિયાદ કરનાર વેપારીએ અગાઉ માર્કેટયાર્ડમાં મોટી ઠગાઇ કરી છે. જેમાં ચેરમેન સામે નોંધાવેલી ફરિયાદ તદ્દન ખોટી છે. જયાં સુધી પોલીસ દ્રારા સી-સમરી નહીં ભરાય ત્યાં સુધી માર્કેટયાર્ડ સંપૂર્ણપણે બંધ રહેશે.’- અજીતસિંહ સી. રાઠોડ, પ્રમુખ, વેપારી એસોસીએશન, પાંથાવાડા માર્કેટયાર્ડ
ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
‘ભાડાની ગાડી કરીને મગફળી લઇને યાર્ડમાં ભરાવવા માટે આવ્યા હતા પરંતુ માર્કેટયાર્ડ બંધ હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છીએ.’ - વનાજી સોમાજી માળી, ખેડૂત, સોનેરા-રાજસ્થાન
લાખો રૂપિયાનો વહેપાર અટકયો
પાંથાવાડા માર્કેટયાર્ડમાં રોજની ૧૦ હજાર બોરીની આવક થાય છે. પરંતુ વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલના કારણે તમામ કામકાજ ઠપ થઇ જતાં લાખો રૂપિયાનો વ્યવહાર અટકી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
No comments:
Post a Comment