Sunday, December 20, 2009

Dantiwada in Divya bhaskar

કોલસા કૌભાંડનો પર્દાફાશ

Bhaskar News, Dantiwada

અંદાજે ૧૫૦ હેકટરમાંથી ૫૦૦૦ થી વધુ વૃક્ષો કપાયાં:એક મહિનાથી કોલસા પાડવાનું ચાલતું હતું: દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એન.ગોસાઇ તથા રાઉન્ડ ફોરેસ્ટનો સ્ટાફ પણ શંકાના દાયરામાં



બનાસકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા વાવધરામાં આવેલા જંગલ વિસ્તારમાં અગાઉ મળેલી બાતમીના આધારે રેડ પાડતા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને તેમાંથી કોલસા બનાવવાનું કૌભાંડ ઝડપાઇ ગયું હતું. આ અંગે સબ જિલ્લા ફોરેસ્ટ ઓફિસર સી.પી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના વાવધરા અને ખારા ગામની આસપાસમાં આવેલા ૭૮૩ હેકટર જંગલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી રાજસ્થાનથી આવેલા મજૂરો દ્વારા બાવળ અને અન્ય વૃક્ષોને કાપીને તેમાંથી કોલસા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું.



જેની જાણ જિલ્લા વન વિભાગને થતાં જિલ્લા વન વિભાગના અધિકારીઓની એક ટીમ શુક્રવારે જંગલ વિસ્તારમાં ત્રાટકી હતી. જો કે આ ટીમના સભ્યો આરોપીઓને ઝડપે તે પહેલા તે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. દરમિયાન જંગલના જુદા વિસ્તારમાં તપાસ કરતાં અંદાજે ૧૫૦ હેકટર જમીનમાંથી ૫ હજારથી વધુ વૃક્ષો કાપીને કોલસા બનાવ્યા હોવાનું બહાર આવવા પામ્યું છે તેમજ ૬૮ બોરી કોલસા, ૬૦ ભઠ્ઠી અને ૨૦૦૦ કવીન્ટલ લાકડું ઝડપાયું છે.



જે તપાસ હજુ પણ ચાલુ છે. આ કૌભાંડની શંકામાં દાંતીવાડા રેંજ ફોરેસ્ટ ઓફિસર એસ.એન.ગોસાઇ તથા રાઉન્ડ ફોરેસ્ટનો સમગ્ર સ્ટાફ હોવાથી તેમની પૂછતાછ કરાશે.’શુક્રવારની સાંજથી ચાલી રહેલા કૌભાંડની તપાસમાં જિલ્લા વન અધિકારી વાય.એલ.વર્મા, સબ જિલ્લા વન અધિકારી સી.પી.પ્રજાપતિ, સી.એમ.ચૌધરી, કે.એ.દેસાઇ તથા રેંજ ફોરેસ્ટ ઓફિસર આર.એચ.ગઢવી, કે. એન. પ્રજાપતિ, બી.કે.ગોળ તથા જિલ્લા જિલ્લા વન વિભાગનો સ્ટાફ જોડાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



ઓફિસ સીલ કરાઇ



દાંતીવાડા ના વાવધરા જંગલ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને કોલસા બનાવવાના કૌભાંડના પગલે દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં રહેલા કોઇ રેકર્ડ સાથે ચેડા ન થાય તે માટે ઓફિસને સીલ મારવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું


કોલસા કૌભાંડમાં તપાસની માંગ

Bhaskar News, Dantivada

યોગ્ય તપાસ ન કરાય તો દાંતીવાડા તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી



દાંતીવાડા તાલુકામાં આવેલા વાવધરા જંગલ વિસ્તારમાંથી જિલ્લા વનવિભાગ દ્વારા ઝડપાયેલા કોલસા કૌભાંડમાં વનવિભાગના એસીએફ દ્વારા અત્યારે તપાસ થઇ રહી છે. ત્યારે દાંતીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



વાવધરા જંગલમાં પથરાયેલા જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે વૃક્ષોનું કટિંગ કરી તેમાંથી કોલસા પાડવાનું કૌભાંડ બહાર આવતા આ કૌભાંડ સમગ્ર જિલ્લામાં ચકચારી બની ગયું છે. ત્યારે સમગ્ર કોલસા કૌભાંડમાં કેટલાક વનવિભાગના કર્મચારીઓની નિષ્કાળજી હોવાનું વનવિભાગના અધિકારીએ પણ સ્વીકાર્યા બાદ સંડોવણી પણ છે કે કેમ ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

વાવધરાના જંગલમાંથી કોલસા પાડવાની ૪૫થી વધુ ભઠ્ઠીઓ જિલ્લાના વનવિભાગની ઓચિંતી તપાસ દરમિયાન મળી આવતા આ કૌભાંડમાં વનવિભાગના કર્મીઓની સંડોવણી હોવાની આશંકાઓ બળવત્તર બની રહી છે. ત્યારે સમગ્ર કૌભાંડની તપાસ ધીમીગતિએ તેમજ યોગ્ય રીતે ન થતા હોવાનો આક્ષેપ દાંતીવાડા કોંગ્રેસ સમિતિના તાલુકા પ્રમુખે કર્યો છે. તેઓએ કોલસા કૌભાંડમાં કેટલાક વનવિભાગના કર્મીઓ સંડોવાયા હોવાની આશંકા વ્યકત કરીને સમગ્ર બાબતની નિષ્પક્ષ તપાસ કરવી જોઇએ તેમ જણાવ્યું છે.



તો અમે આંદોલન કરીશું...
વાવધરાના જંગલમાંથી ઝડપાયેલું કોલસા પાડવાનું કૌભાંડ જિલ્લામાં સૌથી મોટુ છે. પરંતુ તેની તપાસ ગોકળગતિએ ચાલી રહી છે. ત્યારે સાચી દિશામાં તટસ્થ તપાસ કરીને તપાસ કરતાં અધિકારીના અહેવાલના આધારે તંત્રએ જવાબદારો સામે પગલાં લેવા જોઇએ. તેમ નહીં કરાય તો અમે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરીશું.
નવીનભાઇ ઠક્કર, (પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતિ, દાંતીવાડા)

No comments:

Post a Comment