દાંતીવાડા કૃષિ યુનિ.ના કર્મીઓએ આંદોલન છેડયું
ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓએ બઢતીના મુદ્દે સોમવારે આમરણાંત ઉપવાસનું આંદોલન શરૂ કર્યું હતું અને જો માંગણી નહીં સંતોષાય તો આંદોલન જલદ બનાવવાની ચિમકી ઉચ્ચારી હતી.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી તરીકે છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા ૫૫ થી વધુ કર્મચારીઓ રાજય સરકારના નીતિ નિયમ મુજબ મદદનીશ પ્રાધ્યાપક તથા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે બઢતી ન અપાતા ૧૦ ડિસેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી કામથી અળગા રહ્યા હતા. ત્યારબાદ ૧૪ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર સુધી પ્રતીક ઉપવાસ કયૉ હતા. તેમ છતાં પણ યુનિ. તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતા અને અધિકારીઓએ મુલાકાત ન લેતાં આખરે સોમવારે આમરણાંત ઉપવાસ શરૂ કયૉ હતા.
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, જુનાગઢ, આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ ખેતીવાડી અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જયારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૭૪ ખેતીવાડી અધિકારીઓમાંથી માત્ર ૧૫ અધિકારીઓને જ મદદનીશ પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી છે. જેથી માંગણી નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવીશું.’
No comments:
Post a Comment